Read More Read More
श्री मदनमोहनप्रभु विजयते || श्री मथुराधीशप्रभु विजयते || श्री नवनीतप्रभु विजयते

ગુજરાતના ઇશાન ખૂણે અરવલ્લી પર્વતમાળાના મેદાન વિસ્તારમાં વસેલા નગરો મોડાસા, માલપુર અને સીમલવાડા (હાલમાં રાજસ્થાન)માં ઘણા વર્ષોથી વૈષ્ણવ કુટુંબો વસેલા છે. આ નગરોમાંથી ઘણા જ્ઞાતિજનો નોકરી-ધંધા અર્થે અમદાવાદ, વડોદરા, સુરત, મુમ્બઈ, ગોધરા, ઇન્દોર, ડુંગરપુર, ઉદયપુર વગેરે શહેરોમાં જઈ કાયમી વસ્યા છે. તદુપરાંત યુ.એસ. એ., યુ. કે., ઓસ્ટ્રેલિયા, દુબઈ, કુવૈત, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં પણ જ્ઞાતિજનો વસ્યા છે.

આ સૌ જ્ઞાતિજનોની એક-બીજાને ઓળખવાની, મળવાની, ભાઈચારો કેળવી અરસપરસ સહાય કરવાની અને રોટી-બેટીના સંબંધો વિકસાવવાની અદમ્ય ઈચ્છા અને જરૂરીયાતને કેન્દ્ર સ્થાને રાખી સમાજના આગેવાન વડીલોના અથાગ પ્રયત્નોને પરિણામે શ્રી દશા મોઢ સાજન મહામંડળ, અમદાવાદ ની સ્થાપના વર્ષ ૧૯૯૭માં થઇ. (રજી. નં. એ/૩૪૩૧/અમદાવાદ).

આજે આ સંસ્થાએ સફળતાપૂર્વક ૨3 વર્ષ પુરા કર્યા છે, જાણે કે બાળપણની પા પા પગલી પૂરી કરી પુરા જોશ અને ઉત્સાહ સાથે, આંખોમાં વિકાસની ઉંચાઈઓ આંબવાના સંકલ્પ સાથે યુવાનીમાં પ્રવેશ કર્યો છે. આ સંસ્થાના સક્ષમ વહીવટ માટે અમદાવાદ, મોડાસા, માલપુર, વડોદરા અને સીમલવાડાના મુખ્ય યુનિટના પ્રતિનિધિઓ દ્વારા કારોબારીની અને સલાહકાર સમિતિની રચના કરવામાં આવે છે. સંસ્થાના હિસાબો કાયદેસર ઓડીટ કરવામાં આવે છે. દર ત્રણ વર્ષે સભ્યોની સામાન્ય સભા કરવામાં આવે છે તથા લોકશાહી પદ્ધતિથી નવી કારોબારીની રચના કરવામાં આવે છે.

આ સંસ્થાના લોગોમાં દર્શાવ્યા પ્રમાણે મુખ્ય ઉદ્દેશો ચાર છે: ૧. સંગઠન, ૨. શિક્ષણ, ૩. સ્વાસ્થ્ય અને ૪. સમૃદ્ધિ.

આજે શ્રી દશા મોઢ સાજન મહામંડળ નામે આ સંસ્થા પાસે રૂ. ૧ કરોડથી વધુનું માતબર ભંડોળ છે, જેનો ઉપયોગ સંસ્થાના ઉદ્દેશોની પૂર્તિ કરતાં વિવિધ પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓ કરવામાં થાય છે, જેવી કે:

૧. સંપર્ક તથા સંગઠન: ત્રિવાર્ષિક અધિવેશન યોજવા, સમયાંતરે પરિવાર પરિચય પુસ્તક પ્રદર્શિત કરવું, સમાજની વિવિધ ગતિવિધિઓથી જ્ઞાતિજનોને માહિતગાર કરવા ત્રિમાસિક પત્રિકા મોઢ પરિવાર પ્રદર્શિત કરી વહેંચવી.
૨. શિક્ષણ: માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરિયાતોને સહાય અને વગર વ્યાજની લાંબા ગાળાની લોન આપવી, તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવા, કુટુંબ દીઠ તેમ જ ભણતા વિદ્યાર્થીઓને વિશેષ સંખ્યામાં નોટબુકો આપવી, વ્યવસાયિક અને વિશેષ અભ્યાસમાં એડમીશન માટે તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે કોચિંગ ફીમાં સહાય આપવી.
૩. સ્વાસ્થ્ય: આકસ્મિક મેડીકલ ખર્ચ સામે જરૂરિયાતમંદોને સહાય, મેડીકલ કેમ્પનું આયોજન કરવું.
૪. સ્નેહ અને સંભાળ: નિરાધાર અથવા એકાકી વડીલોનો સંપર્ક, સારસંભાળ અને જરૂરી સહાય કરવી.
૫. આર્થિક સહાય: જરૂરિયાતમંદોને જીવન જરૂરિયાતો અને દવાઓ માટે આર્થિક સહાય કરવી.
૬. સુરક્ષા: કોઈ પણ સભ્યનું મ્રત્યુ થતાં ડેથ બેનેવેલંટ સ્કીમ દ્વારા પરિવારને પ્રતીક સહાય કરવી અને ૧૮ થી ૭૦ વર્ષના જ્ઞાતિજનો માટે અકસ્માતથી મૃત્યુ સામે ગ્રુપ ઇન્સ્યુરન્સ લેવો.
૭. યુવા પ્રવૃત્તિઓ અને યુવા વિકાસ: યુવાનો કોઈ પણ દેશ અને સમાજની અમૂલ્ય મૂડી છે. યુવાધનને સમાજના સેવાકાર્યોમાં જોડવા માટે તેમની કાબેલીયાતને ઓળખી અને તેમને બિરદાવી પ્રોત્સાહિત કરવા જરૂરી છે. સમાજના સૌ યુવાનો એકબીજા સાથે મિત્રતા અને ભાઈચારો કેળવે અને સમાજને નવી ઉંચાઈઓ સર કરવા પ્રયત્નો કરે તે જરૂરી છે. આ માટે યુવાશક્તિની ઓળખ અને વિકાસ કરવા માટે યુવાનો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી અને સ્પર્ધાઓ યોજવાનો છે.

આ પ્રવૃત્તિઓ કરવા માટે થનાર ખર્ચને પહોચી વળવા માટે ફંડ ઉભું કરવાની જરૂર છે. જ્ઞાતિજનો ખુબ સમજદાર અને સક્ષમ છે, અને અમને પૂરો વિશ્વાસ છે કે આ ઉદ્દેશો માટે ઉદાર હાથે અને મુક્ત મને ફાળો અને યોગદાન આપી મહામંડળને સહકાર આપશે.

જય હિન્દ — જય શ્રી કૃષ્ણ